
Online Gaming Bill: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઇન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ બિલ મારફત ઓનલાઇન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.
નવા બિલમાં શું છે જોગવાઈ
નવા બિલમાં અમુક ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઇમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે.
ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર અસર
આ બિલનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ સેક્ટર માટે નિયમો-કાયદા ઘડવા અને ગ્રાહકોને સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ ગેમિંગ કંપનીઓ પર સ્પષ્ટ કાયદા અને નિયમનોનો અભાવ છે. જેના લીધે અનેક વખત ગ્રાહકો શોષણ અને છેતરપિંડીનો ભોગ બને છે. નવો કાયદો ઘડાયા બાદ ઓનલાઇન ગેમિંગ તેમજ બેટિંગ એપ્સના માધ્યમથી ફ્રોડ કરી રહેલા લોકોથી બચી શકાશે. તેમજ કરોડો યુઝર્સ ધરાવતી ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે.
આ ગેમ્સ પર પ્રતિબંધ મૂકાશે
બિલમાં સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી તેમજ વર્ચ્યુઅલ મની-રિયલ કેશ બેટિંગ પર આધારિત ગેમ્સ પર પ્રતિબંધો લાદવાની જોગવાઈ છે. આ પ્રકારની ગેમ્સથી ખેલાડીઓને ભારે નાણાકીય નુકસાન થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી છે. હિંસક તેમજ આપત્તિજનક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પણ અંકુશ લાદવામાં આવશે.ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીની સાઇઝ 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી વાસ્તવિક ગેમિંગ કંપનીઓને લાભ મળશે. તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. બિલ મંજૂર થયા બાદ ગેમિંગ ઇન્ડસ્ટ્રી એક કાયદાકીય માળખામાં કામ કરશે.