દેવભૂમિ દ્વારકા

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ

દેવભૂમિ દ્વારકા

Dwarka Rain News : દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બપોરે 2 વાગ્યાથી 4 સુધીના વરસાદના આંકડા 

આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ, કચ્છના નખત્રાણામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ 2 - image

દ્વારકા નગરીમાં પાણી ભરાયા

દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટ બન્યા

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જામ કલ્યાણપુર અને લાંગા જેવા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

ઓરેન્જ એલર્ટ 

જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેજ એલર્ટ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં 4.25 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.75 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાંથી 23 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ ‘કાચા સોના’ સમાન સાબિત થયો છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!