“કેશુબાપા અને ખેડૂત નેતાઓએ ચીતરેલા રસ્તા પર હું ચાલીશ,” ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા
ગુજરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની તાજેતરની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા. કડી બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લઈ શકે છેે.
શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપતા જણાવ્યુ છે કે, “કેશુબાપા અને અન્ય ખેડૂત નેતાઓએ ચીતરેલા રસ્તા પર હું ચાલીશ. આ માત્ર ધારાસભ્ય તરીકેના શપથ નથી, રાજ્યમાંથી તાનાશાહી હટાવવાના શપથ છે. જનતાનું સાશન અને સ્વરાજ્ય આવે એ માટે પ્રયત્નો કરીશું.”
વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આજથી સત્તાવાર રીતે વિધાનસભાના સભ્ય બન્યા છે. 22 દિવસ પહેલા જાહેર થયેલા પરિણામ બાદ આજે નવા ધારાસભય માટે વિધાનસભા ગૃહના દરવાજા સત્તાવાર રીતે ખુલ્યા છે. શપથ લીધા પછી ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અન્ય 180 સભ્યોની જેમ માસિક પગાર અને ભથ્થા મળવા લાગશે. હાલના નિયમો અનુસાર, દરેક ધારાસભ્યને અંદાજે રૂ. 1.47 લાખ માસિક પગાર અને વિવિધ ભથ્થાની રકમ આપવામાં આવે છે. જેમાં પગાર, ભાડા સહાય, મિનિસ્ટ્રીયલ સહાય, ફોન બિલ, પ્રવાસ ભથ્થા સહિતની સવલતોનો સમાવેશ થાય છે. શપથવિધિ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપરાંત વિધાનસભાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમને અન્ય ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ આપી હતી.
હવે વિસાવદર ધારાસભ્ય માટે વધુ પડકારજનક અને જવાબદારીભર્યો સમય શરૂ થયો છે. તેઓ ન માત્ર પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવશે, પણ વિધાનસભા ગૃહમાં રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળશે.
હવે વિસાવદર ધારાસભ્ય માટે વધુ પડકારજનક અને જવાબદારીભર્યો સમય શરૂ થયો છે. તેઓ ન માત્ર પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવશે, પણ વિધાનસભા ગૃહમાં રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળશે.