ગુજરાતના આ ગામની હાલત તો જુઓ, ઘર અને ખેતર બંને ધોવાઈ ગયા, જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં વરસેલા વરસાદથી સરહદી વિસ્તારના અનેક રોડ રસ્તાઓ ધોવાયા છે અને ખેતરોમાં સ્થાનિક વહેણ પાણી ઘૂસતા ખેતરો પણ ધોવાઈ ગયા છે. ન્યૂઝ 18ની ટીમ ધાનેરા તાલુકાના દેઢા ગામમાં પહોંચી હતી. અહીંયા ખેડૂતોની હાલત જોઈને તમને પણ તેઓની દયા આવી જશે.
ધાનેરામાં રાજસ્થાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં એવો તો વરસાદ વરસ્યો કે ખેતરો પણ ધોવાઈ ગયા અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી નદી જેવો પાણીનો પ્રવાહ ગામમાં ઘૂસી ગયો અને ગામના ખેતરોના હાલ બેહાલ કરી નાખ્યા.
દેઢા ગામમાં જતા રોડ રસ્તાઓ તોડી નાખ્યા અને ખેતરોમાં જતા રસ્તાઓમાં પણ મોટા ખાડા પાડી દેતા પશુપાલકોને આ રસ્તા પરથી સાધનો લઈને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ન્યૂઝ ૧૮ ની ટીમ પણ એક કિલોમીટર ચાલીને આ ખેતરોમાં પહોંચી તો દેઢા ગામના ખેતરો જળબંબાકાર સ્થિતિમાં હતા.
રાજસ્થાન સરહદને અડીને આવેલું આ ધાનેરા તાલુકાનું દેઢા ગામ છે. જેના હાલ પ્રથમ વરસાદમાં જ બેહાલ થયા છે. ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક વાવ્યો હતો. આ ખેતરોમાં મગફળી, ચોમાસુ બાજરી અને પશુઓ માટે ચારા વાવેલી હતી. ઉપરવાસમાં થયેલા વરસાદના વહેણ એવા આવ્યા કે વાવેલો પાક ઢંકાઈ ગયો અને ખેતરોમાંથી પસાર થયેલા પાણીના વહેણે બે-બે ફૂટ સુધી ધૂળ નાખી દેતા હવે આ ધૂળ કઢાવવી પણ ખેડૂતો માટે મુશ્કેલ સાબિત થશે કારણકે ખેતરોની જમીન પણ સપાટ થઈ ગઈ છે.
વરસાદી પાણી એવા તો ઘરોમાં ઘૂસ્યા કે ઘરમાં જે સામાન હતો તે સામાન પણ પલળી ગયો અને ઘરની બહાર જે બાજરી રાખવામાં આવી હતી અને પશુઓ માટે જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે પણ પાણીમાં તણાઈ ગયો અને પશુઓ માટે બનાવેલ શેડ પણ તૂટી ગયો.
લોકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ અમને સહાય આપવામાં આવે. 2015 અને 2017માં જે હાલ દેઢા ગામના થયા હતા તેવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ ઊભી થઈ છે. દેઢા ગામના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. દેઢા ગામમાં આવેલા ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
દેઢા ગામમાંથી જે વરસાદી પાણી પસાર થયું તે પાણી સીધું જ બનાસ નદીના વહેણમાં પહોંચ્યું અને બનાસ નદી પણ બંને કાંઠે જોવા મળી. દેઢા ગામના જે હાલ થયા છે તેવા હાલ બનાસકાંઠાના અનેક એવા ગામો છે તે ગામોના પણ થયા છે. ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈએ સીએમ સહિત કૃષિ મંત્રીને પત્ર લખી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ કરી છે.