
વલસાડ: આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યાં સૌથી વધુ વાપીમાં 5.8 ઈંચ વરસાદ પડ્યો છે. વાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે નદીઓ બે કાંઠે વધી રહી છે. ઘણી જગ્યાએ અંડરપાસ, કોઝવે અને પુલ પરથી પાણી વહી રહ્યા છે. જ્યારે તેમાંથી નેશનલ હાઈવે પણ બાકાત નથી. ભારે વરસાદને લઇ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પ્રભાવિત થયો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
વલસાડ નજીક નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા છે. સુરતથી મુંબઈ તરફના હાઇવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવે 48 પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજને લીધે રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવે 48 પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં આજે સવારે 6 કલાકથી લઈને કુલ 8 કલાકમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વાપીમાં 5.8 ઇંચ વરસાદ પડ્યો છે. પારડીમાં 4.2 ઇંચ, ધરમપુરમાં 4.1 ઇંચ વરસાદ, 16 તાલુકમાં 2 ઇંચથી વધુ વરસાદ અને 28 તાલુકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
વલસાડમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ છે. જ્યારે NDRFની એક ટીમ તૈનાત કરાઈ છે. બીજી બાજુ, હાલ જિલ્લામાં 32થી વધુ રસ્તા બંધ છે. ધરમપુર અને કપરાડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે. ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર છે, જ્યારે અત્યારે ઔરંગા નદી 4.32 મીટરે પહોંચી છે. નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એલર્ટ છે. નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.