
Manipur :- લાંબા સમયથી વંશીય હિંસાની ચપેટમાં આવેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર સરકારની રચનાની તૈયારી જોર પકડતી દેખાઇ રહી છે. મણિપુરમાં ભાજપના 23 ધારાસભ્યોએ શુક્રવારે મહત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ ધારાસભ્યોએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમણે રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેઓ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને બાજુ પર રાખવા માટે તૈયાર છે.
ધારાસભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ સરકાર રચવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે તેઓ માનતા હતા કે આ કટોકટીનો ઉકેલ શક્ય અને જરૂરી છે. ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ મૈતેઇ અને કુકી-જો સમુદાયો વચ્ચે આદાનપ્રદાન માટે પ્લેટફોર્મ બનાવવાની હિમાયત કરે છે.

રાજ્ય વિધાનસભા 13 ફેબ્રુઆરીથી સ્થગિત છે
સતત ખરાબ પરિસ્થિતિઓ બાદ એન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું અને રાજ્ય વિધાનસભા 13 ફેબ્રુઆરીથી સ્થગિત છે.