
રાજકોટ એસ.ટી.વિભાગને ઉનાળું વેકેશન ફળ્યું છે. રાજકોટ એસ.ટી.વિભાગની ગયા વર્ષ કરતા આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉનાળુ વેકેશન દરમિયાન 20.45 કરોડની રાજકોટ એસ.ટી વિભાગને આવક થઈ છે. આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ 58 હજાર ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં 33.97 લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો. ગયા વર્ષ કરતા 30 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષે 20.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2024 કરતા વર્ષ 2025માં 14 લાખ રૂપિયાન વધારો થયો છે. આ ઉનાળુ વેકેશનમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકોએ હરવા ફરવા માટે એસ.ટી બસમાં મુસાફરી કરી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી હતી. રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ 60 લાખ રૂપિયાથી વધી 70 લાખ રૂપિયા થઈ ગઈ છે. રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં 10 લાખ રૂપિયાનો વધારો છે.