
“છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે હું આ રૂમમાં આવ્યો છું. મારા દીકરા નમ્રજિતસિંહના મૃત્યુ બાદ હું અહીં આવવાની હિમ્મત કરી શક્યો નથી.અમારી દીકરીને તો સાસરે વળાવી છે. હવે મારી પણ ઉંમર થઈ છે. હવે અમારા બે માણસ (પતિ-પત્ની)નું ઘડપણમાં શું થશે? અમે ખાટલે પડશું ત્યારે અમને રોટલા-પાણી કોણ આપશે?”રાજકોટ શહેરમાં નાના માવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત વર્ષે જે આગ લાગી હતી, તેમાં પોતાનો પુત્ર ગુમાવનાર જયપાલસિંહ જાડેજાના આ શબ્દો છે.આગ લાગ્યા બાદ જીવતા ભૂંજાઈ ગયેલાં 27 લોકોમાં તેમના પુત્ર નમ્રજિતસિંહ પણ હતા. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પરિવારો હજી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.રાજકોટની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટ (જિલ્લા અને સત્ર ન્યાયાલય)માં આ કેસની ચાલી રહેલી ટ્રાયલ હજુ પ્રારંભિક તબક્કે હોવાથી કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી.