માંડ માંડ બચ્યા 227 મુસાફરો! શ્રીનગરમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

Delhi-Srinagar Indigo Flight: દિલ્હીથી શ્રીનગરની ફ્લાઇટ દરમિયાન બર્ફિલા વરસાદ અને કરા પડ્યા, જેના કારણે વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો. ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ફ્લાઇટમાં સવાર તમામ 227 મુસાફરો સુરક્ષિત છે.
Delhi-Srinagar Indigo Flight: ઈન્ડિગોની દિલ્હી-શ્રીનગર ફ્લાઈટને તોફાનની ઝપેટમાં આવ્યા બાદ શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ખરાબ હવામાન અને કરા પડવાના કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ 6E2142 ને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ફ્લાઇટમાં 227 મુસાફરો હતા. એરલાઇને પુષ્ટિ આપી છે કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શ્રીનગરમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન તોફાનમાં તરણાની જેમ ડોલતું હતું. ત્યારબાદ ક્રૂ મેમ્બર અને પાઇલટની સમજદારીને કારણે, વિમાનનું કટોકટી ઉતરાણ કરવું પડ્યું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને તમામ માનક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.
વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો
દિલ્હીથી શ્રીનગરની ફ્લાઇટ દરમિયાન, બર્ફીલા વરસાદ અને કરા પડ્યા, જેના કારણે વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો. આ ઘટના પછી, વિમાનમાં બેઠેલા લોકો બૂમો અને ચીસો પાડવા લાગ્યા. ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ફ્લાઇટ અને કેબિન ક્રૂએ તમામ પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાન શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. કંપનીએ કહ્યું, “ટેક્નિકલ નિરીક્ષણ માટે વિમાનને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. આગમન પછી, એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી.”
ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે પવન (40-50 કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન, દિલ્હી NCRમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. બુધવારે સાંજે વરસાદ અને તોફાની પવનને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા.