Video: અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું

Ex-Armymen Protet in Ahmedabad : ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલતા ‘ઓપરેશન અનામત’ આંદોલનનો આજે 23મો દિવસ છે અને આ આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરમાં મહારેલીની પરવાનગી ન મળતાં અને પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવતાં માજી સૈનિકોએ અમદાવાદનો માર્ગ અપનાવ્યો હતો.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરી હતી, જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આશરે 1000થી વધુ માજી સૈનિકો અમદાવાદ પહોંચ્યા અને રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં ચક્કાજામ
શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોએ પોલીસ પર તેમને ડિટેઈન કરવાનો આક્ષેપ કર્યો હતો. માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને છોડવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આંદોલનકારીઓએ 30 મિનિટમાં નિર્ણય ન લેવાય તો ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
માજી સૈનિકો રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ખાસ કરીને એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શરૂઆતમાં પોલીસે માજી સૈનિકોને સમજાવીને ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાકની અટકાયત પણ કરી હતી. જોકે, આંદોલનકારીઓએ અટકાયત કરાયેલા જવાનોને છોડાવવા માટે દબાણ કરતાં આખરે પોલીસે નરમ વલણ અપનાવીને તેમને છોડી મૂક્યા હતા. આ ઘટનાએ બતાવ્યું કે માજી સૈનિકોના આંદોલનની તાકાત સામે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતા છે, જ્યાં સુધી તેમની અનામતને લગતી માંગણીઓ સંતોષવામાં ન આવે.
મુખ્ય માંગણીઓ
સતત 23મા દિવસે કરવામાં આવી રહેલા આંદોલનમાં માજી સૈનિકોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને 10 ટકા અનામત આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેઓ લઘુતમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોનો જ ભરતી કરે તેવી માગણી મૂકી છે.