
ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તળાજા, મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. તળાજાના સાંગાણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહીતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. મહુવાના બગદાણા, ઠલીયા, ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તરોમા પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.
બરવાળામાં ધોધમાર વરસાદ
બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ઢોલરીયા પરા, કુંડલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બરવાળા તાલુકાના કુંડલ, વહીયા, રોજિંદ, કાપડીયાળી, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ કરેલા અલગ-અલગ પાકને નવુ જીવનદાન મળશે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા
બે દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સવારથી ભારે બફારા બાદ સાવરકુંડલા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સારા વરસાદને પગલે રોડ-રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા. વડીયા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. હનુમાન ખુજડીયા, ઢૂંઢીયા, પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા.
ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.