સુરેન્દ્રનગર

ખેરાળી ગામને વઢવાણ સાથે જોડતો રસ્તો વરસાદમાં ધોવાતા ઉબડખાબડ બન્યો

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીના કારણે ધોવાઈ જતા વાહનચાલકો સહિત રહિશોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વઢવાણના ખેરાળી ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર તેમજ ઉબડ-ખાબડ બની જતા ગ્રામજનો સહિત આ વિસ્તારમાં આવેલ ટાઉનશીપના રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

વઢવાણના ખેરાળી રોડ પર આવેલી શિવદર્શન ટાઉનશીપ-૧ તેમજ પ્રમુખ દર્શન ટાઉનશીપમાં અંદાજે ૫૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ બંને ટાઉનશીપ સહિત આગળ તરફ આવેલા ખેરાળી ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર તેમજ ઉબડ-ખાબડ હોવાથી ટાઉનશીપમાં રહેતા રહિશો, બાળકો, વૃધ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તેમજ બિસ્માર રસ્તા પર પણ વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ભરાઈ રહેતા અકસ્માત તેમજ લપસીને પડી જવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ મામલે ટાઉનશીપના રહિશોએ અગાઉ તત્કાલીન ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતનાઓને લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તેમજ મહાનગરપાલિકા બન્યા બાદ પણ નાયબ મુખ્ય દંડક અને હાલના વઢવાણના ધારાસભ્ય તેમજ મનપા કમીશ્નરને પણ રજુઆત કરવા છતાં સત્તાધીશોના બહેરા કાને માત્ર રજુઆત સાંભળવામાં આવે છે પરંતુ તેનો કોઈ ઉકેલ લાવવામાં રસ ન હોય તેવો સ્થાનીકોએ આક્ષેપ કર્યો છે. આગામી દિવસોમાં ટાઉનશીપને જોડતા મુખ્ય રસ્તાનું યોગ્ય રીપેરીંગકામ કરવામાં નહિં આવે તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહિં આવે તો સ્થાનીક રહિશો અને મહિલાઓ દ્વારા મનપા કચેરી ખાતે ધરણા સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

– રસ્તા પર પાણી ભરાયેલા રહેતા અકસ્માતની ભીતિ 

– તત્કાલિન ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય અને મનપા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યા અધ્ધરતાલ

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!