ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન રાજપીપળા કોર્ટે કર્યા નામંજૂર, આવતીકાલે સેશન્સ કોર્ટમાં કરશે અપીલ
નર્મદા

*Published by:-* Mahesh Parmar
Chaitar Vasava Case: દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે, કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી છે.
જામીન અને રિમાન્ડ અરજી ફગાવી
મળતી માહિતી મુજબ, રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે. હાલ, ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. સોમવારે (7 જુલાઈ) એ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે.
પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
નોંધનીય છે કે, ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું. જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. હકીકતમાં, પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં” તેમણે ઉમેર્યું હતું કે, “અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે.” પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.