Entertainment

મનની શાંતિ અને આનંદ નો ઉત્તમ સ્ત્રોત એટલે ” પ્રવાસ “.

Entertainment

પ્રવાસ એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે.જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નવી સંસ્કૃતિઓ વિશે જાણવાનું અને પોતાની સંસ્કૃતિ ને અન્ય લોકો સાથે શેર કરવાની,નવા લોકોને મળવાનું અને નવી વસ્તુઓનો અનુભવ કરવાનો સમાવેશ થાય છે.પ્રવાસ ફક્ત નવા સ્થળોની મુલાકાત લેવા વિશે નથી,તે વ્યક્તિના દૃષ્ટિકોણને વિસ્તૃત કરવા અને રોજિંદા દિનચર્યાઓ અને જવાબદારીઓમાંથી વિરામ આપીને તણાવ અને ચિંતા ને દૂર કરે છે વળી આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળવા અને નવી વસ્તુઓ અજમાવવા માટે પડકાર આપીને સ્વ-જાગૃતિ વધારવામાં મદદરૂપ થાય છે.જ્યારે આપણે પર્વતોની ઊંચાઈએ ઊભા રહીને નીચેના ખીણોને જોઈએ છીએ,ત્યારે આપણને આપણી સમસ્યાઓ નાની લાગવા માંડે છે.પર્વતોની ઠંડી હવા હોય, સમુદ્રની લહેરો હોય કે ઐતિહાસિક સ્થળોની યાત્રા,દરેક પ્રવાસ આપણને કંઈક નવું શીખવે છે.સમુદ્રની લહેરો આપણને જીવનની ગતિશીલતા શીખવે છે,અને ઐતિહાસિક સ્થળો આપણને ભૂતકાળની ગાથાઓ સાથે જોડે છે.પ્રવાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ પણ આનંદનો એક હિસ્સો બની જાય છે,જે આપણને જીવનની કિંમત સમજાવે છે.ઘણીવાર પ્રવાસ આપણને ડરામણું લાગતું હોય છે પરંતુ જેમ જેમ તમે તમારા ડર અને ચિંતાઓને દૂર કરશો,તેમ તેમ તમને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની નવી ભાવના મળશે.

અત્યારનું આપણું જીવન અનેકો પરિસ્થિતિમાં થી પસાર થતું હોય છે,શારીરિક સમસ્યાઓ થી લઈને આર્થિક એવા સમયે આપણે મનને મક્કમ કરીને સરસ મજાનો પ્રવાસ અનિવાર્ય કરવો જોઈએ કેમ કે આપણું શરીર ગમે ત્યારે સાથ છોડી દે એની ગેરંટી નહી
આવી વિચારધારા સાથે મે મારા પરિવાર સાથે એક લાંબો અને યાદગાર પ્રવાસ કર્યો હતો .

તો ચાલો ,એ સ્મરણીય પ્રવાસ વિશે વર્ણન કરું.

સૌપ્રથમ અમે સાંચી (એમ.પી ) ગયા હતા જ્યાં અમે મહાબોધી સોસાયટી ઓફ શ્રીલંકામાં રોકાયા હતા બીજા દિવસે અમે ચક્રવર્તી સમ્રાટ અશોકે બનાવેલા 84,000 સ્તૂપમાંથી પ્રથમ સ્તૂપ એટલે કે ” સાંચી સ્તૂપ ” ને નિહાળ્યો હતો .ગૌતમ બુદ્ધનો જન્મ આશરે 2500 વર્ષ પહેલા થયો હતો અને તેમણે 200 વર્ષ પછી એટલે 2300 વર્ષે સાંચી સ્તૂપ નું નિર્માણ કર્યું અને બૌદ્ધ ધર્મને ઉજાગર કરવામાં આવ્યું તેથી આપણાં ભારતીય નાણાંમાં 200 ની નોટ પર સાંચી સ્તૂપ દર્શાવેલ છે અને પછી સાંચીમાં આવેલ બુદ્ધ મંદિરમાં દર્શન કરીને અમે સારનાથ(યુ.પી ) જવા રવાના થઈ ગયા આખી રાત મુસાફરી કરીને સવારે સારનાથ પહોંચી ગયા ત્યાં અમે બુદ્ધ એ પાંચ ભિખુઓને જ્ઞાન આપ્યું હતું તે સ્થળ ” મૂલગંધા કુટિ વિહાર ” ના દર્શન કર્યા અને ધમેક સ્તૂપ તે ઉપરાંત ધર્મ રાજીકા સ્તૂપ જે મેઈન મંદિર તરીકે વિખ્યાત છે તેની મુલાકાત લીધી.તે પછીનું સ્થળ ગયા ( બિહાર ) કે જે બુદ્ધ ભગવાન ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ,

સુજાતા એ ગૌતમ બુદ્ધ ને ખીર ખવડાવી હતી તેને અનુસંધાને ત્યાં ” સુજાતા સ્તૂપ ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના દર્શન કરીને અમે જ્યાં ભગવાન બુદ્ધએ 6 માસ તપ કર્યું હતું તે પહાડ પર ગયા ત્યાં અમને ભારતીય મુસાફરો ઉપરાંત બહોળા પ્રમાણમાં વિવિધ દેશો ના મુસાફરો મળ્યા હતા તેમની સાથે વાત કરીને એક નવો અનેરો આનંદ નો અનુભવ થયો હતો આખરે તેઓની સાથે યાદગાર સમય વિતાવીને ત્યાંથી થોડે દૂર મ્યાનમારનું બૌદ્ધ મંદિર અને વ્હાઇટ ટેમ્પલ ના દર્શન કરીને આખરે સાંજે ગૌતમ બુદ્ધ ને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે ” મેઈન મંદિર “ના દર્શન કર્યા હતા .કલ્પના કરો કે તમારી નજર પડે ત્યાં સુધી પર્વતો,શિખરો અને વૃક્ષો હોય કેવી સરસ મજાની પ્રાકૃતિક સૌંદર્યતા હશે બસ એવી જ જગ્યા એ અમે પહોંચી ગયેલા.એક છીણી અને હથોડાથી દસરથ માંઝીએ 360 ફિટ લાંબી ,30 ફૂટ પહોળી અને 25 ફૂટ ઊંચો પહાડ તોડી ને રસ્તો બનાવ્યો હતો જેને “દસરથ માંઝી માર્ગ ” તરીકે ઓળખવામાં આવે છે .ત્યાંના પર્વતો ને નિહાળવા ખૂબ જ આહલાદક ભર્યો અનુભવ હતો ખરેખર મારા મુજબ આ સ્થળ ” પ્રેમ નું પ્રતિક ” છે.ત્યારબાદ અમે રાજગીર પહોંચ્યા હતા ત્યાં રોપ વે ની મદદથી પર્વત ઉપર બનાવેલ વિશ્વ શાંતિ સ્તૂપ ના દર્શન કરીને ,પ્રાચીન ભારતની સૌથી જૂની અને વિશ્વ પ્રસિદ્ધ “નાલંદા વિશ્વ વિધ્યાલય ” પહોંચ્યા હતા.7મી સદીમાં ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગના વર્ણન મુજબ,અહીં 10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 2,000 શિક્ષકો તેમને શિક્ષણ આપતા હતા.આ વિશ્વવિદ્યાલયમાં બૌદ્ધ ધર્મ,તર્કશાસ્ત્ર,ગણિત,જ્યોતિષ,વૈદ્યકશાસ્ત્ર,સાહિત્ય અને વેદો જેવા વિવિધ વિષયો શીખવવામાં આવતા હતા.અહીં ભારત ઉપરાંત ચીન,જાપાન,કોરિયા,તિબેટ અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા આવતા હતા.12મી સદીમાં,બખ્તિયાર ખિલજીએ 1193માં નાલંદા પર હુમલો કરી તેને નષ્ટ કરી દીધું.તેણે ગ્રંથાલયને સળગાવી દીધું, જેના કારણે ત્યાંનું અમૂલ્ય જ્ઞાન ભસ્મ થઈ ગયું.એવું કહેવાય છે કે ગ્રંથાલય નવ મહિના સુધી બળતું રહ્યું હતું.ભગવાન બુદ્ધ નું મૃત્યુ થયું હતું તે સ્થળ એટલે કુશીનગર ત્યાં અમે રામભાર સ્તૂપ ની મુલાકાત લીધી.તે પછી સરહદ પાર કરીને નેપાળ પહોંચ્યા હતા.નેપાળ (લુંબિની )જે ગૌતમ બુદ્ધના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.લુમ્બિની એ બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.ત્યાં અમે વિવિધ સ્થળોની મુલાકાત લીધી 1.મ્યાનમાર વિહાર 2.ગૌતમી ભીખુ વિહાર 3.કંબોડિયા વિહાર 4.મહાબોધી સોસાયટી લુંબિની અને છેલ્લે મેઈન ટેમ્પલ પહોંચ્યા કે જ્યાં ગૌતમ બુદ્ધ નો જન્મ થયો હતો.ત્યારબાદ લખનઉ પહોંચી આંબેડકર પાર્ક ફર્યા અને પછી આગ્રા જવા રવાના થઈ ગયા .દુનિયાની સાત અજાયબીઓ પૈકી એક એટલે કે આગ્રા નો ” તાજ મહેલ ” જે શાહજહાં એ તેમની પત્ની મુમતાઝ ની યાદમાં બનાવ્યો હતો.આગ્રાના સ્વાદિષ્ઠ પેઠા ખાઈને પ્રવાસના છેલ્લા સ્થળ તરફ આગમન કર્યું.રાજસ્થાનમાં આવેલ હવા મહેલ જે બસમાં બેસીને નિહાળ્યો હતો તે પછી શર્માજીનો મ્યુઝિયમ કે જ્યાં પૌરાણિક ગ્રંથ અને ત્યાંના રાજા-રાણી ના પોશાકો ,શસ્ત્રો વિગેરે ઇત્યાદિ વસ્તુઓ જોઈને દૂર થી જળ મહેલ નિહાળ્યો હતો.તે પછી અમારું છેલ્લું સ્થળ આમેર નો કિલ્લો નિર્માણ 1592માં રાજા માન સિંહ પ્રથમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને પછીના રાજાઓ,ખાસ કરીને જય સિંહ દ્વિતીય દ્વારા તેને વિસ્તારવામાં આવ્યો.આ કિલ્લો લાલ રેતીના પથ્થરો અને સફેદ આરસપથ્થરથી બનેલો છે.તેમાં રાજપૂત અને મુઘલ સ્થાપત્યનું સુંદર સંયોજન જોવા મળે છે.કિલ્લામાં ચાર મુખ્ય ભાગો છે: દીવાન-એ-આમ (સામાન્ય લોકો માટેનું સભાસ્થળ),દીવાન-એ-ખાસ (ખાસ લોકો માટેનું સભાસ્થળ),શીશ મહેલ (અરીસાઓનો મહેલ) અને રાણીઓનો મહેલ.

લેખક-: બૌધ કરન પરસોતમભાઈ
સરનામું: ઓઢવ ,અમદાવાદ
મો-: ૯૭૧૨૦૦૫૭૭૦

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!