વડોદરા કોર્પોરેશનનો વર્ષ 2024-25 નો ઓડિટ રિપોર્ટ રજૂ : વિવિધ વિભાગો દ્વારા રૂ.116 કરોડના હિસાબો રજૂ નહીં થતાં વિવાદ
વડોદરા

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનનો વર્ષ 2024/25 નો ઓડિટ રિપોર્ટ ચીફ ઓડિટર એચ.આર.રાવે રજુ કર્યો છે. જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા લેવામાં આવતી તસલમાતની (એડવાન્સ) રકમના ગત વર્ષ દરમિયાનના ઓડિટ રિપોર્ટમાં પાછલા વર્ષોના રૂપિયા 55 કરોડનો હિસાબ મળતો ન હતો ત્યારે આ વર્ષે રજૂ થયેલા ઓડિટ રિપોર્ટમાં તે રકમ રૂપિયા 116 કરોડ પર પહોંચી ગઈ છે જેથી અસલમાતની રકમનો જમા ખર્ચ કરાવવામાં વિવિધ વિભાગોના અધિકારીઓ નિષ્કાળજી દાખવી રહ્યા છે છતાં કોઈની જવાબદારી ફિક્સ કરવામાં આવતી નથી.
વડોદરા કોર્પોરેશનના ઓડિટ વિભાગે રજૂ કરેલા ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે,ઓડિટ શાખા દ્વારા વર્ષ 2024-25 દરમ્યાન વોર્ડ તેમજ ખાતાઓની આવક તેમજ ખર્ચના બિલની તપાસણી કરવામાં આવેલી હતી. જેનો ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટે રજૂ કરવામાં આવે છે.
મહાનગરપાલિકામાં પ્રિ-ઓડિટ પધ્ધતિ અમલમાં હોઇ, વોર્ડ તેમજ ખાતાઓના તમામ ખર્ચના બિલ હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં માન્યતા અર્થે રજૂ કરવામાં આવે છે. અહેવાલના વર્ષ દરમ્યાન કુલ 43944 બિલ તપાસણી માટે આવેલ હતા. બિલ પ્રિ-ઓડિટ થયા બાદ ચૂકવણાં માટે હિસાબી શાખા તરફ રવાના કરવામાં આવે છે. બિલની તપાસણી દરમ્યાન જણાયેલી વિવિધ પ્રકારની કપાત, વહીવટી ક્ષતિ. અનિયમિતતા પ્રાથમિક તબક્કે જ ઓડિટ ખાતાને ધ્યાને આવે છે. હિસાબી શાખા દ્વારા ખર્ચના વાઉચર નિયમિત રીતે પોસ્ટ ઓડિટ માટે ઓડિટ શાખાએ અઠવાડિક રજૂ કરવામાં આવતા હોવાથી મહાનગરપાલિકાની નાણાકીય શિસ્ત જળવાઇ રહેલ છે.
મહાનગરપાલિકાના તમામ ખર્ચના બિલની પ્રિ-ઓડિટ પદ્ધતિથી તપાસણી કરવામાં આવતી હોઇ તેના પરીણામ સ્વરૂપે મુખ્ય ઓડિટ શાખા તેમજ તમામ ઝોન ઓડિટ વિભાગ અને સ્ટોર ઓડિટ વિભાગ મારફતે કુલ રૂ.7,64,56,162 ની કપાત કરી બિલ માન્ય કરવામાં આવેલ હતા. તેમજ જમા તપાસણી વિભાગ દ્વારા આવકનું પોસ્ટ ઓડિટ કરી રૂ.23,99,59,254 ની રેવન્યુ રીકવરી કરવા માટે સબંધિત ખાતા તથા વોર્ડને જણાવેલ છે.
મહાનગરપાલિકાના ખાતાઓ તેમજ વહીવટી વોર્ડ દ્વારા કરવામાં આવતા આકસ્મિક ખર્ચ અથવા માલસામાન ખરીદીના પ્રસંગે કમિશનરની પૂર્વ મંજૂરી મેળવીને તસલમાત લેવામાં આવે છે. મંજૂર કરવામાં આવેલી તસલમાત પૈકી કુલ રૂ.16,55,92,595 ની રકમનો જમાખર્ચ સબંધિત ખાતા તેમજ વોર્ડ તરફથી વર્ષના અંતે કરાવવામાં આવેલ નથી.