Ahmedabad Plane Crash LIVE: પૂર્વ CM વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ થયા, બોઈંગની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદ

Ahmedabad Plane Crash LIVE: એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાની તપાસ કરવા માટે બોઈંગની ટીમ અમદાવાદ પહોંચી :
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે. આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની ‘બોઇંગ’ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય પાસાઓ સ્પષ્ટ થવાની આશા છે.
આરોગ્ય મંત્રીએ શું કહ્યું? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટતાં કરતાં કહ્યું કે ગુજરાતના માજી સીએમ વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા છે. હવે તેમના પરિજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને અંતિમ વિધિ કેવી રીતે અને ક્યાં કરવી તે અંગે તેમનો પરિવાર નિર્ણય લેશે. જેમાં સરકાર તેમને પૂરું સમર્થન કરશે.
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા:
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
વિસનગરમાં અમદાવાદ પ્લેન ક્રેશના મૃતક દિનેશનભાઈનો મૃતદેહ પહોંચ્યો :
ડીએનએ મેચ થયા બાદ મૃતદેહોને તેમના પરિજનોને સોપવામાં આવી રહ્યા છે, ત્યારે વિસનગરના દિનેશભાઈ પટેલનો મૃતદેહ પણ તેમના પ્રિયજનોને સોંપાયો હતો. વિસનગરના પાંચ લોકો આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા જેમાંથી બેના પાર્થિવ દેહ વતન લાવી દેવામાં આવ્યા હતા અને તેમની અંતિમ વિધિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
સાઈબર ફ્રોડ અંગે સિવિલ હોસ્પિટલની ચેતવણી :
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ડીએનએ ટેસ્ટિંગ ચાલી રહી છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો અને સાઈબર ફ્રોડ પણ એક્ટિવ થયાની માહિતી મળી રહી છે. આ મામલે સિવિલના એડ. સુપ્રિટેન્ડેન્ટ રજનીશ પટેલે ચોખવટ કરી હતી કે કોઈના ફોન કોલ કે પૈસાની માગણીઓના જાળમાં ફસાતા નહીં. આ ગુજરાત સરકારનું એકમ છે. અહીંયા કોઈ પૈસા કે ફી લેવાતી નથી. તો ખાસ કરીને વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાવચેત રહે.
32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા:
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મીડિયા બ્રીફમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ રજનીશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને 14 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.
રાજકોટમાં રૂપાણીના નિવાસ સ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ :
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગ્લે પહોંચ્યા હતા.
કાટમાળ દૂર કરતા મળ્યો યુવતી સહિત 3 મૃતદેહ મળ્યાં
એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર અને હોસ્ટેસનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતકની ઓળખ કરવા માટે ક્રુ- મેમ્બર્સના પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં સ્થળ પરથી મળી ડીએનએ સિવાય સ્થળ ઉપરથી મળી આવેલી ચીજ વસ્તુઓના આધારે ઓળખ કરવામાં આવશે. આ સિવાય મેશની અગાસી પર ફેલાયેલા કાટમાળમાંથી વધુ બે મૃતદેહો ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે. જોકે, હજુ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડીએનએ મેચ કરવું અઘરૂ:
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લેન ક્રેશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ જ મોટી જ્વાળાઓ ઊભી થાય છે. જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા પેસેન્જરોના શરીરમાં ડીએનએ જેનાથી તેની ઓળખ થઈ શકે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. તાજેતરની વિમાન દુર્ઘટનામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. લગભગ 36 ડીએનએના નિષ્ણાંતો દ્વારા સતત 24 કલાકથી મેચિંગ કરવા માટેના પરીક્ષણો શરૂ છે.
સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી હોય છે, ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે. આ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના સેમ્પલ એકઠા કરીને તેમના વાલી વારસદારોને ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં મૃતકના માતા, પિતા, દીકરા, દીકરીના નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે. મેચિંગ માટે એક મૃત દેહમાંથી એકથી વધુ સેમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં ડીએનએ નહીં મળતા વારંવાર રીપીટ કરીને પણ એનાલિસિસ કરવામાં આવે છે. આમ આ જટિલ પ્રક્રિયામાં 36 થી 48 કલાક સુધી બેચવાઇઝ પરીક્ષણ કરવામાં આવે છે.
ડૉક્ટરો ઓછા પડતા હોય તો બીજા રાજ્યથી બોલાવો:
મૃતદેહ સોંપવાને મામલે સિવિલ હોસ્પિટલમાં આજે મૃતકોના સ્વજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મૃતદેહ સોંપવાની પ્રક્રિયા ક્યારે પૂરી થશે તેવું સ્વજનો પૂછવા ગયા ત્યારે અધિકારીએ એવો જવાબ આપ્યો કે, હજુ વાર લાગશે, રાહ જુઓ.. જેની સાથે જ સ્વજનોએ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. તેમણે બળાપો ઠાલવતા કહ્યું કે, ડૉક્ટરો ઓછા પડતા હોય તો બીજા જિલ્લા કે બીજા રાજ્યથી બોલાવો. પરંતુ અમને અમારા સ્વજનોના મૃતદેહ ઝડપથી સોંપો. અધિકારીએ તેમને શાંત પાડતાં કહ્યું કે, ડીએનએ સેમ્પલના મેચ માટે 72 કલાકનો સમય લાગી જતો હોય છે. સેમ્પલ મેચ સહિતની પ્રક્રિયા થયા બાદ જ અમે મૃતદેહ સોંપી શકીએ