અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલકનું થયુ મોત, જેસીબીથી બહાર કઢાઈ કાર
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલકનું થયુ મોત, જેસીબીથી બહાર કઢાઈ કાર
અમરેલીમાં મુશળધાર વરસાદને કારણે રાજુલાની જોલાપરી નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર નદીમાં ખાબક્તા કાર ચાલકનું મૃત્યુ થયુ છે.
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી અમરેલીમાં વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે હાલ વરવી પરિસ્થિતિ સર્જાઈ છે. અવિરત અનરાધાર વરસાદને કારણે અમેરીલના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
અમરેલીમાં હાલ ચારેતરફ જળબંબાકાર થયુ છે. વાત કરીએ રાજુલા તાલુકાની તો અહીં જોલાપરી નદીમાં આવેલા પૂરમાં એક કાર તણાતા યુવકનું મોત થયુ છે. ઉંટિયાથી રાજપરડા વચ્ચે આવેલા બ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. ભુવો પડવાને લીધે નદીમાં કાર ખાબકી હતી. વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. જો કે કારચાલકને બચાવી શકાયો નથી અને કારનું રેસક્યુ કરાય એ પહેલા જ કાર ચાલકનો મૃતદેહ મળ્યો હતો. જેસીબીની મદદથી સ્વીફ્ટ કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટના સ્થળે ગામલોકોની ભારે ભીડ જામી હતી.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર બ્રિજ પર ભૂવો પડવાને લીધે કાર નદીમાં ખાબકી હોવાનુ અનુમાન સેવાઈ રહ્યુ છે. કાર ચાલક સાથે અન્ય કોઈ વ્યક્તિ સવાર હોવાની હાલ તો કોઈ વિગતો સામે આવી નથી. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ છે.